ખેતરના ઈશાન ખૂણે વીજળી ચમકારા કરે છે. વાદળો આકાશના મેદાનમાં જાણે હડિયાપટ્ટી કરવા માંડે છે. ભગવાન ગેડી દડે રમવા માંડે છે. ખેતરો ધોળે દિવસે અંધકારમાં ઘેરાઈ જાય છે અને આકાશ વરસી પડે છે અનરાધાર. મારો વ્હાલો આવ્યાની વધામણી રૈ... ખેડૂતના ઘરે લાપસીના આંધણ મુકાય છે. ધરતી માતાનું પૃજન થાય છે. બળદની જોડને શણગારાય છે. કંકુ ચોખાના ચાંદલા થાય છે. બે ત્રણ મહિનાથી ખેતરની જેં જમીનમાંથી વરાળો ઉઠતી હતી તેમાંથી અનેરી માટીની મહેંક ફેલાય છે. પહેલા વરસાદ પછી ઉઠતી માટીની મહેંક તો ફેફસામાં જ ભરી શકાય એને સાચવવા માટે કોઈ વાસણ કે બોટલ ન હોય. વર્ષમાં એકવાર એ ફોરમનો લ્હાવો મળે એ મેળવી લીધા પછી શરૂ થાય છે વાવણી. જાણે સપનાનાં વાવેતર!