આ બધા નિંદણને દૂર કરવા કેવી રીતે ? કૃષિ વૈજ્ઞાનિકશ્રી બી.ડી. પટેલ જણાવે છે તે ફરી તમારી ડાયરીમાં ટપકાવી લ્યો કે નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે જેવી કે હાથથી નિંદામણ, ખેડ કે આંતરખેડ, યોગ્ય પાક પઘ્ધતિ પાકની ફેરબદલી, જૈવિક પઘ્ધતિ, રાસાયણિક પધ્ધતિ એટલે કે નિંદામણનાશકના છંટકાવ દ્વારા અથવા સોઈલ સોલરાઈઝેશન દ્વારા. સોઈલ સોલરાઈઝેશન શું છે ? તે પણ સમજી લઈએ જે ખેતરમાં અતીશય નિંદામણનો પ્રશ્ન હોય ત્યાં ઉનાળામાં ખૂબ ગરમી હોય ત્યારે એપ્રિલ-મે માસ દરમ્યાન જમીનમાં પિયત આપી પારદર્શક ૨૫ માઈક્રોન (૧૦૦ ગેજ) એલ.ડી.પી.ઈ પારદર્શક પ્લાસ્ટીક ૧૫ દિવસ સુધી જમીન ઉપર હવાચૂસ્ત રીતે ઢાંકી રાખવામાં આવે તો જમીનનું તાપમાન સામાન્ય રીતે ૪૫-૪૬સે. હોય છે તે ૧૦-૧૨ સે. ઉંચુ થવાથી જમીનની અંદર રહેલા નિંદામણના બીજની સ્ફુરણશક્તિ નાશ પામે છે. ઉપરાંત જમીનમાં રોગકારક જીવાણુંઓ, કુગ અને કૃમિઓ પણ નાશ થાય છે. પ્લાસ્ટીક હટાવ્યા પછી ત્યાં બીજા દિવસે વાવેતર કરી શકાય છે. સોઈલ સોલરાઈઝેશન કર્યું હોય તે જગ્યાએ ઉત્પાદન વધુ મળે છે. આવું જ્યાં રોપ કરવાનો હોય ત્યાં ખેડૂતો કરતા હોય છે