વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે. નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો.નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે. નિંદણને જીવનચક્રના આધારે વાર્ષિક, દ્રિવાર્ષિક અને બહુ વાર્ષિક નિંદણ હોય છે. પરંતુ બીજ દળ પ્રમાણે એકદળી અને દ્વિદળી એવા વિભાજન પણ કરી શકાય છે. દા.ત. એક દળી નિંદણમાં ધરો, સામો, બરુ અને દ્રિદળીમાં કણઝરો, પોપટી અને એકદાંડી આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે એકદળી નિંદણમાં સામો, આરોતારો, લાંમડું, ધરો અને ચીઢાનો ઉપદ્રવ છે જયારે દ્વિદળી નિંદણમાં મુખ્યત્વે દારૂડી, લૂણી, ફૂલેકિયુ , ભાંગરો, કણઝરો, તાંદળજો, અંધેડો, ચીલ, ભોંય આંબલી, ભોંય રીંગણી, સાટોડો, દુધેલી, એકદાંડી, ઢીમડો, ચંદનવેલ, કુવાડીયો, કોંગ્રેસ ગ્રાસ, જળકુંભી અને નક્કુટીયાનો ઉપદ્રવ છે. નિંદણનો ફેલાવો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ, ખેતી ઓજારો, બીયારણ અને સેન્દ્રીય ખાતરો દ્વારા થાય છે. આમ જૂઓ તો આપણા પાકના દુશ્મન નિંદણની લગભગ ૩૦, ૦૦૦ જાતો છે. નિંદણને પાંદડાના આકાર પ્રમાણે પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. નિંદણ આપણા પાક સાથે હરિફાઈ કરીને આપણા પાકની સાથે ખોરાક પાણી તથા પ્રકાશની હરિફાઈ કરીને પોતાનું જીવન ચલાવે છે. નિંદણમાં બીજ પરિપકવ થાય ત્યારે પહેલા વાઢીને દૂર કરવા જરૂરી છે જેથી તેનો ફેલાવો અટકાવી શકાય છે.