કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ ૨૩ જેટલા દેશોમાં તેની ખેતી થાય છે. તે સ્વ-પરાગિત અને ટૂંકા ગાળાનો પાક છે, જે માનવ વપરાશ માટે ખોરાક તરીકે વપરાય છે, તેનો ઉપયોગ સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને બીમાર લોકો અને બાળકો માટે ઊર્જાના સ્ત્રોત તરીકે થાય છે. કાંગએ મધુપ્રમેહ ખોરાક તરીકે ઓળખાય છે. તે ડાયેટરી ફાઇબર, મિનરલ્સ, સૂક્ષ્મ પોષકતત્વો તેમજ પ્રોટીનથી સમૃદ્ધ હોય છે ઉપરાંત તેમાં નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. ચોખાથી વિપરીત, ફોક્સટેલ શરીરના ચયાપચયને અસર કર્યા વિના સતત ગ્લુકોઝ મુક્ત કરે છે. કાંગનો આહાર લેતી વસ્તીમાં ડાયાબિટીસની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે.

નાગલી એ પાચક રેસાઓથી ભરપુર હોવાથી કોલેસ્ટ્રોલને લોહીમાં પહોંચતાં પહેલાં જ શોષી લે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે. વધુમાં મધુપ્રમેહ(ડાયાબીટીસ)ના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્શિયમ (૩૦૦- ૩૫૦ મિ.ગ્રા.) અને લોહતત્વ (૨.૫ મિ.ગ્રા.)નું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતાં સવિશેષ હોવાથી હાડકાની નબળાઈ દૂર કરવા અને લોહી વધારવામાં તથા એનિમિયા સામે પ્રતિકારકતા મેળવવામાં ઉપયોગી છે. નાગલીના લોટમાંથી ખોરાક માટે મુખ્યત્વે રોટલા બનાવી શકાય છે. પરંતુ તેમાંથી પૌષ્ટીક મૂલ્યવર્ધિત બનાવટો જેવી કે, બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી વગેરે પણ બનાવી શકાય છે અને હાલ બજારમાં આવી તમામ બનાવટો ઉપલબ્ધ છે. નાગલીનું પરાળ પણ પોષકતત્વોથી ભરપૂર હોવાથી પશુઆહાર માટે ઉત્તમ છે.