વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) દ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે છે. સોયાબીનમાં ૪૦ ટકા પ્રોટીન ઉપરાંત ર૦ ટકા તેલ,ર૩ ટકા કાર્બોહાઈડ્રેટ તેમજ આવશ્યક ખનિજ, રેસા, ક્ષાર અને વિટામીન રહેલા છે. સોયાબીનમાંથી સારા એવા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું તેલ પ્રાપ્ત થાય છે. વિશ્વની લગભગ ૩૦ ટકા ખાદ્યતેલની આપૂર્તિ સોયાબીનના તેલ થકી થાય છે. આપણા દેશમાં કુલ ખાદ્યતેલની તુલનામાં સોયાબીન તેલનો હિસ્સો અંદાજે ૧ર ટકા જેટલો છે. સોયાબીનના કુલ ઉત્પાદનમાંથી આપણા દેશમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ૧૦ ટકા બિયારણ માટે, ૭પ થી ૮૦ ટકા તેલ કાઢવા માટે તથા બાકી રહેતો ૧૦ થી ૧પ ટકા હિસ્સો વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવા માટે થાય છે.