ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩% અને બોરોન ૦.૫% હોય છે)ના ૧%ના દ્રાવણનો રોપણી બાદ ૪૦, ૫૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.

ભીંડાના પાકમાં લોહ અને જસત તત્ત્વની ઉણપ વર્તાય છે. તેના નિવારણ માટે સરકારે માન્ય/નોટીફાઈડ કરેલ મલ્ટી માઈક્રોન્યુટ્રીસન્ટ મિક્ચર ગ્રેડ-૪ના ૧%નો છંટકાવ કરવામાં આવે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારનાખેડૂતોને ગ્રેડ-૪ (૧%)ના ૩ છંટકાવ (વાવણી બાદ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે) કરવાની જ્યારે મધ્ય ગુજરાતમાં ૪ છંટકાવ (વાવણી બાદ ૧૫, ૩૦, ૪૫ અને ૬૦ દિવસે) કરવાની ભલામણ છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીસન્ટ ગ્રેડ-૪ના ૧% દ્રાવણના ૩ છંટકાવ (ફેરરોપણી બાદ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે) કરવા. આ જ પ્રમાણેની ભલામણ રીંગણ, કોબીજ અને લસણના પાકમાં પણ કરવામાં આવેલ છે.

શિયાળુ ઋતુમાં કંદ માટેની સફેદ ડુંગળીનું વધુ ઉત્પાદન મેળવવા ભલામણ કરેલ ના.ફો.પો. ઉપરાંત રાસાયણિક ખાતર 19-19-19  એનપીકેનો  ૦.૫%નો છંટકાવ ફેરરોપણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે કરવો. ધાણાના બીજ-ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે મહત્તમ બીજ- ઉત્પાદન મેળવવા માટે ધાણાના પાકમાં વાવણી બાદ ૩૦ અને ૪૫ દિવસે ફેરસ સલ્ફેટ ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) + સાઈટ્રીક એસિડ ૦.૧% (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો.