તરબૂચ મૂળ આફ્રિકન ફળ છે, જે ભારતમાં મોટે ભાગે નદીના ભાઠામાં ઉનાળાની ત્રકતુમાં થાય છે. તરબૂચ એ વિટામિન એ અને સી થી ભરપૂર છે. તે લાયકોપીન, કેરોટીનોઈડસ અને કુકુરબીટાસીન ઈ વગેરે મહત્વના એન્ટિઓક્સિડેન્ટસથી સમૃદ્ધ છે. તેમાંના કેટલાક એન્ટિઓક્સિડેન્ટસ કેન્સર વિરોધી અસર કરે છે. પાકુ લાલ ગભંવાળું તરબૂચ સ્વાદમાં મધુર, ગુણમાં શીતળ, શીતવીર્ય, પિત્ત અને ગરમીનો નાશ કરનાર, પુષ્ટિ અને તૃપ્તિ આપનાર, ઝાડો સાફ લાવનાર, પેશાબ સાફ લાવનાર તથા દાહને શાંત કરનાર છે. તરબૂચનો રસ હૃદય અને શરીરમાં સ્ફૂર્તિ લાવનાર સ્વાદિષ્ટ પીણું છે. તે શરીરની એસિડીટી (અમ્લતા) ઘટાડવા, પેશાબ સાફ લાવવા તથા લોહીનું ઊંચુ દબાણ ઘટાડવામાં ખાસ ઉપયોગી છે.