સફરજનના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેના વિષે કહેવત છે કે “રોજ એક સફરજન ખાવ તે ડોકટરતે તમારાથી દૂર રાખો”. ધર્મગ્રંથોમાં તેને નવયૌવન વધારનાર ફળ કહ્યું છે. આધુનિક વિજ્ઞાન મુજબ તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ તથા વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખનીજો પણ સારા પ્રમાણમાં રહેલા છે. તેમાં અન્ય ફળો કરતાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે, જે મગજશક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલ લોહતત્વ શરીરને ચેતનવંતુ, લાલાશ પડતું અને પુષ્ટ બનાવે છે. વજન ઘટાડવા માટે તેમજ હૃદયરોગના દર્દીઓ માટે સફરજન અક્સિર છે. તેના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર ઘટે છે. તેના નિયમિત સેવનથી શરીર તાજગી અને તંદુરસ્તીપૂર્ણ બને છે. પશ્ચિમના આહારશાસ્રીઓના અનુભવ મુજબ તે એક ઉત્તમ સ્વાસ્થ્યપ્રદ ફળ છે, કે જે શરીરમાંના રોગકર્તા દ્રવ્યોને નિર્મૂલ કરવામાં બેનમૂન છે. યુનાનીના મતે સફરજન દિલ, દિમાગ, યકૃત અને હોજરીને બળ આપે છે. ભૂખ લગાડે છે અને શરીરની ક્રાંતિ વધારે છે. ટૂંકમાં સફરજન ઉત્તમ ખાદ્ય ફળ, ટોનિક, ઉત્તમ દવા અને સૌદર્યવર્ધક સાધન હોઈ, “ઓલ ઈન વન' એટલે કે'એકમાં બધુ' છે.