પપૈયાનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે, જે ૧૭ મી સદીમાં  પોર્ટુગીઝો દ્વારા ભારતમાં આવેલ. હાલ તે સર્વત્ર થાય છે. પાકા પપૈયા ટુકડા કરીને ખવાય છે. કાચા અને અધકચરા પપૈયાનું શાક બને છે. કાચા પપૈયાની ચટણી તેમજ કચુંબર બને છે. ખાવામાં હંમેશા તાજુ પપૈયું જ લેવું. ખૂબ વાસી પપૈયું ખાવામાં ન વાપરવું. પપૈયુ એ વિટામિન સી થી ભરપૂર હોય છે. પપૈયામાંથી વ્યક્તિને માટે ભલામણ કરેલ રોજીંદી જરૂરિયાત કરતા પણ ઘણું વધારે વિટામિન સી મળી શકે છે . પપૈયામાં પાચન માટે જરૂરી પેપેઈન નામનો ઉત્સેચક રહેલો છે, જે બળતરા વિરોધી છે . પપૈયામાં સારા એવા પ્રમાણમાં પોટેશિયમ, વિટામિન બી અને ફોલેટ રહેલું છે. જે આપણા શરીરની તમામ પ્રકારની તંદુરસ્તી માટે વધુ ફાયદાકારક છે. આયુર્વેદ વિજ્ઞાન મુજબ પાકા પપૈયા સ્વાદે મધુર, રૂચિકર્તા, પિત્તદોષનાશક, પચવામાં જરા ભારે, ગુણમાં ગરમ, સ્તિગ્ધતાવર્ધક, ઝાડો સાફ લાવનાર, વીર્યવર્ધક, હૃદય માટે હિતકારી, વાયુદોષનાશક, પરમ પથ્ય, મૃત્ર સાફ લાવનાર, ભૂખ લગાડનાર, પાચન કરનાર, યકૃતવૃદ્ધિ, બરોળવૃદ્ધિ, અગ્નિમાંઘ, આંતરડાના કૃમિ, લોહીનું ઊંચુ દબાણ વગેરે દર્દો મટાડે છે. આધુિક વિજ્ઞાન મુજબ પપૈયામાં વિટામિન એ ભરપૂર હોય છે.