- . પશુઓને બારેમાસ લીલોચારો મળી રહે તેવું આપણે આયોજન કરવું જોઈએ. આ માટે પશુઓની સંખ્યાના આધારે ઘાસચારા પાકોનું આયોજન કરવું જોઈએ. ઉનાળામાં અને શિયાળામાં પશુઓને પૂરતાં પ્રમાણમાં સૂકોચારો મળી રહે તે માટે ચોમાસામાં ધાન્ય વર્ગના પાકોનું વાવેતર કરવું જોઈએ. તેથી જુવાર, બાજરી જેવા અનાજ માનવ આહાર માટે તેમજ તેની આડપેદાશ તરીકે મળતી કડબ પશુ આહાર માટે ઉપયોગમાં આવે છે. ચોમાસા દરમિયાન પશુઓને ચરીયાણ, નિંદામણ તથા શેઢા પાળાનું ઘાસ પૂરતું થઈ રહે છે. પરંતુ જો પશુઓની સંખ્યા અને જમીન વધારે હોય તો લીલા ઘાસચારાની મલ્ટીકટ રજકા બાજરી, જુવાર-૯૯૯, એમ.પી. ચરી, આફ્રિકન ટોલ મકાઈ વગેરે વાવણીનું આયોજન કરી શકાય. એકલો લીલો ચારો ખવડાવવાથી પશુને ઘણી વખત આફરો કે અપચો થવાની સંભાવના રહે છે. શક્ય હોય તો લીલો અને સૂકો ચારો મિશ્ર કરી તેના નાના નાના ટુકડાં કરી ખવડાવવો જોઈએ જેથી તેની પાચ્યતા વધે છે. ઘાસચારાનો બગાડ થતો અટકે છે અને પશુની ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. આ ઉપરાંત લીલા ઘાસચારાની વધારે આવક હોય તેવા સંજોગોમાં ઘાસચારો વેડફવા કરતા આવા અનાજ વર્ગના ચારાનું સાયલેજ બનાવી સંગ્રહ કરી રાખવો જોઈએ. આથી ઉનાળાની ત્રકતુમાં લીલા ઘાસચારાની અછતમાં સાયલેજનો ઉપયોગ કરી દૂધ ઉત્પાદન જાળવી વધુ આવક મેળવી શકાય છે.