મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને થયેલા પ્રયત્નોની થોડી વાત કરું તો સૌરાષ્ટ્રની ધરતીનો ધાટ જ ઊંધી રકાબી જેવો હોઈને ઉપરથી વરસતું પાણી જમીનની અંદર ઉતરવાને બદલે, હડી કાઢી, દોડતુંકને થઈ જાય છે દરિયા ભેળું અને વરસાદની અનિયમિતતા પણ , વધુમાં વધુ કયાંય નોંધાણી હોય તો આ સૌરાષ્ટ્રમાં જ! નહેરોની સુવિધા ટવરી ટવરી છે પણ ડેમો જ ખાલી હોય ત્યાં નહેરો બિચારી શું કરે ? અને સૌરાષ્ટ્રના ખાલી ડેમો ભરવા ધારે તો નર્મદાના વધારાના પાણીથી સરકાર ભરી શકે તેમ છે. પણ એને કયાં ખેડૂતોની કાંઈ પડી છે ? પણ કેટલાક દ્રષ્ટિવાળા વિચારકો, ખેતી રસીકો, સમાજિક સંસ્થાઓ અને મહેનત કશ ખેડૂતો અને પછી ભળી ગુજરાત સરકાર- વરસાદી પાણીને રોકી, તળાવડી, ચેકડેમ, આડબંધો અને બંધારા દ્વારા જમીનમાં ઉતારવાના પ્રયત્નો હાથ ધરાયા. સૌરાષ્ટ્રના ખેડૂતોના છોકરાઓ જે ખેતીથી નારાજ થઈ, શહેરોમાં હીરા ઉદ્યોગ અને અન્ય ધંધામાં રોકાઈ થોડું રળ્યા હતાં. તેમણે વતનની ભેર કરી, નાણાં ખર્ચા થી જે કામો થયાં એણે જયારે વરસાદ સારા વરસ્યા. ત્યારે તળ ભરવાનું કામ સારું કર્યું પણ વરસાદ જ સાવ ઓછો હોય ત્યારે ? વર્ષ ૨૦૧૨માં અમારા વિસ્તારમાં આખા ચોમાસા દરમ્યાન માત્ર સાડા ચાર ઈંચ પડયો હતો, બોલો ! શું કરવું ? છતાં પણ, ઓછાં પાણીએ ખેતી કરી શકાય એ માટે થઈને સૌરાષ્ટ્રના બહુ બધા વિસ્તારોમાં હવે ‘ટપક' પધ્ધતિ જોરશોરથી દાખલ થઈ રહી છે.