ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ એટલે કે તાજા ફળો અને શાકભાજીનો વપરાશ વધે અને સાથે સાથે ઉપભોકતાની તંદુરસ્તી પણ વધે તે માટે ફળો ખાવ અને શાકભાજીનો ફ્રેશ સલાડ ખાઈને તાજામાજા રહો તેવી ઝુંબેશ વિશ્વના અનેક દેશોમાં શરૂ થઈ છે. વિદેશની સરકાર દ્વારા પણ આવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના લીધે લોકોની તંદુરસ્તી સારી બનાવવાની સાથે ફળો અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને પણ પોતાના ફળો અને શાકભાજીનો સારો ભાવ મળે છે. 

ઘણા દેશોમાં તો પ્રાંત પ્રમાણે પ્રાંતના જ ફળો શાકભાજી વેંચાય તેવા કાઉન્ટર ખોલવા માટે સરકાર જગ્યા ફાળવે છે અને તે મેળાઓમાં લોકો ફળો અને શાકભાજી લેવા ઉમટી પડે છે. સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી કરવાથી ખેડૂતોને પણ ઉંચા દામ મળે છે. આપણે ત્યાં પણ આવી ઝુંબેશ શરૂ કરવા જેવી છે. આપણા ગામના શાકભાજી અને ફળો ઉગાડતા ખેડૂતોએ સંગઠીત થઈને પોતાના ગામની ઓળખ સાથે ફળો અને શાકભાજી વેંચાવા જોઈએ તેવું તમને નથી લાગતું ?