સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર થઈ શકે છે. નહિ તો એ માત્ર ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ બનીને રહી જાય છે. આપણે ત્યાં વન-વગડામાં, ગિરનાર કે ગીરના જંગલમાં અને હિમાલયની પર્વતમાળામાં એમ સમગ્ર દેશના વન વિસ્તારમાં ઔષધિનો ખજાનો ઉગેલો છે. એ ઔષધિને ઓળખતા, પારખતા અને તેનો સાચી રીતે ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

આયુર્વેદ એટલે ઔષધો અને ચિકિત્સાનું પ્રાચીન શાસ્ત્ર. આપણે માનીએ છીએ કે ઔષધિ એટલે માત્ર એવી વનસ્પતિ જે ઈલાજ તરીકે ઉપયોગમાં લેવાય પરંતુ સાવ એવું નથી. ઔષધિ તરીકે ફકત વનસ્પતિ જન્ય પદાર્થોનો જ ઉપયોગ થતો નથી. પરંતુ કુદરતી ખનિજ તત્વો અને પ્રાણી જન્ય પદાર્થોનો પણ ઔષધિ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થતો જોવા મળે છે. આમ વનસ્પતિના ફુલ, મુળ, ફળ, છાલ, પાનનો ઔષધિ તરીકે ઉપયોગ તરીકે ઉપયોગ થાય એરીતે મીઠું, સંચળ, જસત, અબરક, ગંધક, સોડા કે સોનું પણ ઔષધિ તરીકે વપરાય છે. દુધ, દહીં, ઘી, છાશ, મધ, મીણ, શંખ કે જળો જેવા પ્રાણી અને પ્રાણી જન્ય પદાર્થો પણ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.