છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તેનું વર્ગીકરણ મુખ્ય, ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો તરીકે કરવામાં આવ્યું છે.નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વો; કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક ગૌણ તત્વો અને લોહ, જસત, તાંબુ મેંગેનીઝ, બોરોન અને મોલિબ્ડેનમ સૂક્ષ્મ તત્વો તરીકે ઓળખાય છે. પાકની વૃદ્ધિ અને વિકાસ દરમ્યાન ખેડૂતો મોટેભાગે જંતુનાશકો દ્વારા પાક સંરક્ષણને વધારે પ્રાધાન્ય આપે છે અને સમતોલ પોષણ વ્યવસ્થાને અવગણે છે . ઘણીવાર નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વધુ વપરાશ કરે છે, જેને કારણે છોડની વૃદ્ધિમાં વધારો થાય છે, જે જીવાતોતે ખોરાક પુરો પાડે છે અને પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. હાલ સમતોલ પોષણ વ્યવસ્થા પૈકી ખાસ કરીને જમીનમાં ખૂટતા સૂક્ષ્મતત્વો જેવા કે જસત તથા લોહની પૂર્તિ કરી છોડમાં થતા રોગ સામે પ્રતિકારકતા વધારવા માટેના મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જેથી કરીને જમીન અને પાણીના પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય.