આદુ એ ગૃહિણીના રાસોડામાં રોજ વપરાતી  ઉપયોગી સામગ્રી છે.  ગુજરાતમાં આદુનું શરબત, અથાણું અને તેનો પાક બનાવી ગૃહિણીઓ વાપરે છે. અપચો કે અજીર્ણ થાય કે ખાવાની રૂચિ નાશ પામે ત્યારે ડોશીમાનું વૈદુ કહે છે, કે આદુની કાતરી-ક્ચુંબર કરી તેના પર મીઠું તથા લીંબુનો રસ નાખી ખાતા પહેલાં ખાવ.

 આયુર્વેદના મતે આદુ તીખુ, મધુર, તીક્ષ્ણ, ગરમ, જઠરાગ્નિને વધારનાર, પચ્યાથી મધુર, જરાક સ્નિગ્ધ, વાયુ તથા કફદોષ મટાડનાર, હૃદય માટે હિતકર અને આમવાતમાં પથ્ય છે. આદુ ખોરાક પચાવે છે. ભૂખ લગાડે છે. રૂચિ ઉત્પન્ન કરે છે . પાતળા થયેલા ઝાડાને ઘટ બાંધે છે. કફથી થયેલા દર્દો, શરદી, સળેખમ, ઉધરસ, તાવ, ઝાડા, અપચો, કબજીયાત તથા સોજાને મટાડે છે. આદુ વધારે લાળ પેદા કરે છે, તેમજ તેના સેવનથી હોજરીમાં પણ પાચક રસોનો સ્ત્રાવ વધે છે તેથી અરૂચિ અને મંદાગ્નિમાં આદુના સેવન ૫ર આયુર્વેદે ખાસ ભાર મૂક્યો છે. માંદા માણસને માંદગીમાંથી બેઠો કરવા માટે આદુ અગત્યનું છે.