ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભાપાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ રપ ઈસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપવી. મિથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન ફેરોમોન એટલે કે બધા પુખ્ત એકઠા/ કરવાના ફેરોમોન (ગંધપાસ) તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલીયાની વસ્તીને કાબુમાં લાવી શકાય છે. તેનો ઉપયોગ કરવા પ સે.મી. + ૫ સે.મી. વાદળીના (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૦- ૫૦ સે.મી. લાંબા લોખંડના તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજે છેડે નાનો પથ્થર બાંધવો. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મીલિ જેટલુ મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવુ. આ તેયાર કરેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી.