મગ એ તુવેર અને ચણા  પછી ત્રીજો અગત્યનો ક્ઠોળ વગનો પાક છે. મગમાં ૨૦ થી ૨૪ ટકા જેટલુ પ્રોટીન રહેલું છે. ગુજરાતમાં મગનું વાવેતર અંદાજિત ૨.૩૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાંથી કુલ ૧.૨૦ લાખ ટન ઉત્પાદન થાય છે તથા ઉત્પાદકતા ૫૨૬ ક્લો/હેક્ટર છે. જે અન્ય દેશોની સરખામણીમાં એ ખૂબ જ ઓછી છે. પરંતુ વધતી જતી વસ્તીને પહોંચી વળવા તથા વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ અનુસાર દરેક વ્યક્તિને ઓછામાં ઓછું ૫૦ ગ્રામ કઠોળ પ્રતિદિન ખાવા માટે મગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાની ખૂબ જ જરૂરિયાત છે. હાલમાં મગનું વાવેતર સામાન્ય રીતે ચોમાસામાં વધુ થાય છે, પરંતુ પિયતની સગવડતા વધતા ઉનાળામાં પણ મગનો પાક લેવામાં આવે છે. આ ઉપરાંત મગના મૂળમાં આવેલ મૂળગંડિકા રહેલ રાઈઝોબિયમ નામના જીવાણુ દ્વારા  હવામાંનો નાઈટ્રોજન જમીનમાં સ્થિરીકરણ કરવાથી જમીનની ફળદ્રુપતામાં  વધારો થાય છે. મગના પાકને લીલા પડવાશના પાક તરીકે પણ ઊગાડી શકાય છે અથવા તો એક વખત શીંગો વીણી છોડને જમીનમાં દબાવી લીલો પડવાશ પણ કરી શકાય છે. આમ ટૂંકા  ગાળાનો આ કઠોળ પાક ઘણું  જ મહત્ત્વ ધરાવે છે.