માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ
મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન ચલાવે. આખો દિવસ તો બંને કામમાં હોય, પણ સાંજ ટાણે બંને ભાઈબંધ પાદરને પીપળે બેસી હારે ચલમ ન પીવે ત્યાં સુધી એકેયને ચેન ન પડે.
એક દિવસ મલુને જરા ઢીલો જોઈ ક્લુએ પૂછ્યું, ‘કેમ ભાઈબંધ મલુ! તું હમણા હમણાથી કેમ સાવ હુશ વગરનો દેખાઈ રહ્યો છે ? શું કઈ શરીરે કટેવ કે કસરપાપડ રહ્યા કરે છે ?’ ‘નાં ભાઈ કલુ, કસરપાપડ તો કઈ નહિ, પણ એક ભારો લાકડા કાપવામાં આખો દાડો નીકળી જાય છે, કામ ઉકલતું નથી અને થાકીને લોથપોથ થઇ જાવ છું, એટલે તને ઢીલો-અણોહરો લાગતો હઈશ, બીજું તો કોઈ કારણ નથી. પણ તું તો ભૈલા અર્ધા દાડામાં જ મસ મોટો ભારો લાકડા કાપી વહેલાસર ઘર ભેળો થઇ જા છો, તે તારી પાંહે શું કોઈ એવો ઇલમ-બીલમ છે ? જો હોય તો ભલો થઇને મનેય ચિન્ધાડ્યને કે હુંયે તારી જેમ થાક્યા વિના ઝપાટાભેર કામ આટોપી હકુ.’ મલુએ પોતાની મૂંઝવણ ક્લુંને કહી સંભળાવી.
‘જો મલુ ! તું પહેલા મને એ કહે કે તેં તારી કુહાડીને ધાર ક્યારે કઢાવી છે?
‘અરે, ગાંડાભાઈ ! હું તો કુહાડી જ આખી નવીનક્કોર લાલીયાલુહાર પાસેથી ખરીદી લાવ્યો છું, એમાં વળી ધાર કાઢવાની વાત ક્યાંથી આવી? અને સાચું કહું ? હમણા હમણાંથી એક ભારો લાકડા કાપવામાં જ સાંજ પડી જાય છે એમાં ધાર કાઢવી ક્યારે ? અને એવી જરૂરેય શી હોય ?’
‘અરે જરૂર હોય, ભેરુ જરૂર હોય ! જો હું જંગલમાંથી લાકડાનો ભારો કાપી લાવ્યા પછી રોજેરોજ કુહાડીને તપાસી લઉં છું. કોઈ ખુણો ખરી ગયો હોય, ખાધ પડી ગઈ હોય કે ઘસાઈને તેની ધાર બુઠ્ઠી થઇ ગઈ હોય તો તેને નીસરણે ઘસીને ખાધ-ખાંચા વિનાની ખરેખરી તીખી ધાર બનાવી લઉં છું. જેથી સાવ ઓછા ઘા થી લાકડા કપાતા રહે, બળ પણ ઓછું પડે એટલે આપણને થાકેય ન લાગે. એટલે તું પણ તારી કુહાડીને બરાબર ધાર કાઢતો જા. પછી જોજે તારું અણોહરાપણું ક્યાંય ગોત્યુય નહીં જડે!’
ક્લુની સલાહ મલુએ માની. અને એ પ્રમાણે કામ કરવા લાગ્યો. એની મહેનત રંગ લાવી. સમય અને શક્તિનું યોગ્ય વળતર મળવા માંડ્યું. જીવન આનંદ-ઉત્સાહથી ભરાવા લાગ્યું.
વાત મુદ્દાની હવે ઃ મલુ કઠિયારાની જેમ આપણે ખેડૂતો પણ મહેનત તો ખુબ જ કરીએ છીએ. આપણે પણ આપણી કુહાડીની ધાર કાઢવાની એટલે કે નવું નવું વિચારવાનું, જાણવાનું અને એનો અમલ કરવાનું ચાલુ રાખી, ખેતી ધંધામાં કેમ ઉતરોતર પ્રગતિ સધાય અને ખેડૂત-જીવનને વધારે સુખી-સંપન્ન અને શાંતિમય બની રહે એ વાસ્તે ૨૪ કલાકનાં દિવસ-રાતમાંથી થોડો સમય આપણી જ્ઞાન-માહીતી-જાણકારીની બેટરી ચાર્જ કરવા માટે ખાસ કાઢતો રહેવાની જરૂર નથી લાગતી ?
તો ભાઈઓ ! ઃ ઘઉની વાવણી અને લણણી વિશેની આખી પ્રક્રિયા વિશે બસ એટલું જ કહેવાનું કે ઘઉ ની વાવણી અને લણણી બંને કામ આસાનીથી અને ઝડપથી થવા ઉપરાંત ગુણવત્તામા પણ શ્રેષ્ઠ રીતે પાર પડે એ માટેના નવા કૃષિ વિજ્ઞાને ખેત-સાધનો શોધી જ આપ્યા છે. પણ એ વિશેની જેને જાણકારી હોય એને માટે. બાઘાને તો આ વાતનું સ્વપ્નું એ ક્યાંથી આવ્યું હોય ?
વાવણી માટેનું અદ્યતન સાધન એટલે ઓટોમેટીક વાવણીયો, અને લણણી માટેનું અદ્યતન સાધન એટલે હાર્વેસ્ટર. પહેલાને કામ સોંપીએ એટલે જમીનમાં પહેલા ઊંડે ફર્ટીલાઈઝર ધકેલી, એના ઉપર બીજની વાવણી કરતુ જાય અને સાથોસાથ ક્યારાપાળી બાંધતું જાય અને ક્યારાને સમતળ કરવા સમાર પણ મારતું જાય ! કહો, બધા જ કામો કર્યાને એક જ વખતમાં ?
એવું જ બીજું, ઘઉ પાકીને તૈયાર થઇ ગયા હોય ત્યારે બોલાવો હાર્વેસ્ટરને, અને સોપી દ્યો ઘઉ તૈયાર કરવાનું કામ એને. ઘઉના છોડવા વાઢતું જાય, એને ભેળા કરી દબાણ આપી મસળતું જાય, પોતેને પોતે પવનની ફૂંક મારી ઉપણતું જાય અને આપમેળે જ દાણા ચોખ્ખા કરવા ધાર સુધીની પ્રક્રિયા પૂર્ણ કરી અને જયાં કહીએ ત્યાં બુંગણ કે ગાડા-ટ્રેકટરમાં હફ ન્યારાનો ઢગલો પણ કરી આપે બોલો ! પણ આવી બધી વિગતો બાઘા જેવા ખેડૂતોએ એના બંધ મગજમાં ઘૂસવા જ ન દીધી હોય તો શું થાય કહો ?
આ તો માત્ર બે જ ખેત સાધનોની વાત થઇ. પણ આવા આવા તો કેટલાય ખેત સાધનો શોધાઈ ગયા છે. માથાઢક કપાસની સાઠી ઉભી હોય કે, અડાબીડ એરંડાનો ઘેરો ભલેને ઉભો હોય, અરે જુવાર-બાજરાના ધીંગા રાડા કે પછી-તૂવેરના ઠરડાનો આખો પ્લોટ ઉભો હોય, સોંપો ‘શ્રેડર’ ને, કુવળ જેવડા કકડા કરી આખા ખેતરમા એવી રીતે ભભરાવી આપે કે એનું સીધું સેન્દ્રીય ખાતર બની ગયા વિના છૂટકો જ નહીં ! મગફળી ઉપાડવાના, બટેટા અને ડાંગર રોપવાના, આખેઆખા મોટામસ ઝાડવાને સ્થળાંતર કરી આપવાના, પાતાળમાંથી દાર-બોર કરી પાણી બહાર ખેંચી લાવવાના, ડ્રીપ-સ્પ્રીકલર જેવા કરકસરથી પાકને પાણી પીરસનારા, ગાય-ભેંશ જેવા જાનવર પાસેથી દૂધ દોહન કરનારા, વાડી-રક્ષણ અર્થે ફેન્સિંગમાં ઝટકા આપી રાની જાનવરને બીક લગાડવાના, અરે, ઉભા મોલમાં આંતરખેડના વિવિધ સાંતીનું સંચાલન જ્યાં બળદીયા કરતા હતા ત્યા થાક્યા વિના ખૂબ ઝડપથી કરી આપનાર મીની ટ્રેકટર અને ત્રણપગા સનેડા ઉપરાંત જમીનમા દાર ગાળવાના, ખેતરમાં ચર કે મકાનના પાયા ગાળવાના, બિન ઉપયોગી ઝાડ પાડવાના, જમીન લેવલ કરવાના અને માટી કે ખાતરના ટ્રેલર ભરી આપનારા જેસીબી બુલડોઝરો ને જે કામ ચીંધીએ એ મર્યાદીત સમયમાં કરી આપાવાની ક્ષમતા દેખાડી રહ્યા છે.
હજુ આગળ કહું તો માત્ર આંખના ઇશારે – એટલે કે આંગળીના ટેરવે કમ્પ્યુટર દ્વારા વાડીમાં કયો પાક પાણી વાંકે મુરઝાય છે, ક્યા વિભાગના છોડવાઓ ઉપર રોગ કે જીવાતોએ હલ્લો મચાવ્યો છે, કયો પાક હવે પાકીને તૈયાર થઇ ગયો છે તે બધાના ફોટા સહિતના અહેવાલ આપી, જો ચિંધવામાં આવે તો જરૂરી સારવાર ઉડીને કરી આવે એવા ‘ડ્રોન’ અને મજુરના બદલામા ચીંધીએ એ બધા કામ કરી આપનાર કૃત્રિમ માણસ-રોબોટની ભેટ ધરીને વિજ્ઞાને કમાલ કરી નાખી છે.
એવું જ હાઈબ્રીડ અને જનીન વિજ્ઞાન દ્વારા અઢળક ઉત્પાદન આપતા ખેતીપાકોના બિયારણો, નવા નવા ફળપાકો અને એની સંકારિત જાતો, મધુમખ્ખીપાલન અને ગાયપાલન વ્યવસાયમાં સફળ સંશોધનો, રા.ફર્ટિલાઈઝાર અને ઝેરી પેસ્ટીસાઇડઝ નાં ઉપયોગ વિના અહિંસક ઉત્પાદન આપતી અને જળ-જમીન અને પર્યાવરણની રક્ષાકરતી સજીવખેતી, રૂષિખેતી, ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ જેવી વિધ વિધ ખેતી પદ્ધતિઓની ભેટ પણ નવા વિજ્ઞાને જ આપણને ધરી છે. હવામાનમાં આવી રહેલા ફેરફારો, વાવાઝોડા, વરસાદ અને સુનામી અંગેની આગાહીઓ જેવા વિશિષ્ટ વરતારા પણ નવા કૃષિ વિજ્ઞાનને જ આભારી છે.
જ્યારે બીજી બાજુ ? ઃ ‘ જે હું કરી રહ્યો છું એ જ બરાબર છે’ એવું મનમાં ધારી, એ પ્રમાણે જ વ્યવહાર કર્યે રાખવો એ પડતીની નિશાની છે. કહેવત છે ને કે ‘ફરે તે ચરે, અને બાંધ્યું ભૂખે મરે’, જેના આંખ-કાન ખુલ્લા હોય તેને બદલાતા અને સફળ રહેતા બધા જ પ્રકારના આયામોનો ખ્યાલ આવ્યા કરે, એનાથી પોતે માહિતગાર રહ્યા કરે એટલે તે ધારે ત્યારે તેનો અમલ કરી પોતાની પ્રગતિ સાધી શકે. પણ હું ..હું …જ કરતા રહી-ન કોઈની વાત સાંભળવી, ન કોઈની સાથે હળવું-મળવું કે ન કોઈનું કહ્યું માનવું ! એટલે કે સૌને છી.. છી ..જ કરતા રહેશું તો પછી કાયમ ખાતે બથોડા ભરવાનું ચાલુ રહેશે ભાઈઓ !
હજુ બિયારણ પસંદગીની વાતનો ચોખ તો બાકી જ રહી ગયો! એની પણ ભેળાભેળ વિગત આપી દઉ કે આ દોડતા વિજ્ઞાનના સમયમાં ‘કાળમૂસા’ ઘઉની જાતને બાઘાએ ઉત્તમ માની છે. એની સામે એટલું જ કહેવાનું છે કે પેલા ગરીબ-આંધળા અને વાંઝીયા વેપારી ઉપર પ્રસન્ન થઇ ભગવાને એક વરદાન માગવાનું કહેલું. ત્યારે એણે માત્ર એક જ વરદાનમા શું શું માંગ્યુ એની ખબર છે ને ? કે ’મારા વચલા દીકરાની વહુને સાત માળની મેડીએ સોનાની ગોળીએ છાશ ફેરવતી ભાળું !’ એક જ વરદાને બેડો પાર ગણાયને? બસ એવી જ રીતે ‘નીચી રહેતી-વહેલી પાકતી-ગેરુ જેવો રોગ ન લાગતી-ઓછું પાણી માગતી-દાણે મોટી-વાને ઉજળી અને ઉતારામા અઢળક ‘એવી ઓલ ઇન વન જેવી સફળ જાત ‘લોક-૧’ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા દ્વારા છેલ્લા ૪૦-૪૫ વરસો પહેલાથી બહાર પડેલ ઘઉ આખો મલક વાવતો હોય તે છતાં બાઘાની નજરમાં આ વાત આવી નહી, તો આપણા પાડોશી ભલે કાળમૂસા જાતના ઘઉ વાવ્યા કરે, એ ઘટના એને મુબારક! પણ આપણે આપણી કૃષિ વિષયક જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ અને નવી વિગતોથી વાકેફ રહી, શક્ય તેટલો અમલ કરતા રહીએ.
તો સહેજે પ્રશ્ન થવાનો ઃ જે વ્યવસાય દ્વારા આપણા કુટુંબનું ગુજરાન ચલાવી રહ્યા છીએ તે વ્યવસાયને બધા જ પ્રકારે તરોતાઝા રાખવાની અત્યાધુનિક રીતો-પદ્ધતિઓ અને આયામો વિશે માહિતગાર બનવું – રહેવું હોય તો શું કરવું જોઈએ ?
આ રહ્યા એવા ક્ષેત્રો કે જેમના સંપર્કથી આવી વિગતો જાણી શકાય.
(૧) ખેતીને લગતા સભા-સેમીનાર-પરિસંવાદ- કૃષિ યુનિ.માં હાજરી આપી તજજ્ઞોની વાત સાંભળવા-સમજવાથી
(૨) શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો, ગૌશાળાઓ, બગીચાઓ, પ્રયોગશીલ ખેડૂતોની વાડીઓને જાતે નીરખવાના પ્રવાસ કરવાથી
(૩) ઘણીએ વાર ભરાતા કૃષિ મેળામાં ભાગ લઇ, હાજર સાધન સામગ્રી નીરખી, વિષય નિષ્ણાતોની સાથે ચર્ચા કરવાથી
(૪) રેડોયો દ્વારા આકાશવાણી રાજકોટ-અમદાવાદ દ્વારા પ્રસારિત
થતા કૃષિ વિષયક કાર્યક્રમો સાંભળવાથી
(૫) ઈ.ટીવી, વી.ટી.વી, ગીરનાર ટીવી.જેવી ઘણી ચેનલો કૃષિનાં કાર્યક્રમો પ્રસારિત કરે છે તે સાંભળવા-જોવાથી
(૬) ફૂલછાબ, સંદેશ, કૃષિ પ્રભાત, ગુજરાત સમાચાર જેવા અખબારોમાં આવતી કૃષિ વિષયક કોલમો વાંચવાથી, કૃષિવિજ્ઞાન, ગ્રામસેતુ, કૃષિગોવિદ્યા, કૃષિકર્મ, કોડિયું, ખોડલધામ સ્મૃતિ, સવર્ાેદય સમાજ, ભૂમિપુત્ર જેવા સામયિકોનું વાંચન કરવાથી
(૮) ખેતીના વિવિધ વિષયોને લગતા પુસ્તકોનું વાંચન કરવાથી.
Social Plugin