વિદેશમાં ઘણાં લોકો નોકરી વ્યવસાયે વહેલી સવારે ભૂગર્ભ ટ્રેનમાં પ્રવાસ કરીને પોતાની કૃત્રિમ અજવાસવાળી ઓફિસમાં ઘૂસી જાય છે અને રાત પડે તેમાંથી બહાર નીકળે છે, વળી પાછો ભૂગર્ભ ટ્રેનનો પ્રવાસ. એના નસીબમાં નથી હોતુ આકાશ કે નથી હોતો સૂર્ય. એટલે જ કહ્યું કે ગાડું લઈને જતો ગાડા ખેડુ સવાર-સાંજ આકાશને આંખો ભરીને માણી લે છે. એની આંખોનું તેજ વધી જાય છે. સવારે આખા દિવસના કામ માટે સ્ફૂર્તિ ભેગી કરી લે છે અને સાંજનું આકાશ આખા દિવસનો થાક ઓગાળી નાખે છે. સવારનું ગુલાબી આકાશ અને સાંજનું કેસરી આકાશ જીવનને રંગોથી ભરી દે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમ પંચ તત્વોમાંનું એક આકાશ છે.